હું કોણ છું? આ પ્રશ્ન આપણા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવવાનું પ્રથમ પગથિયું છે. દૂનિયામાં આપણુ પદ, હોદ્દો, હેસિયત ઊભી કરવાનું પહેલું પગથિયું…. જો આપણા મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે તો આપણે સાચા રસ્તે આગળ વધી રહ્યા છીએ, બસ હવે બાકી છે તો આ સવાલનો જવાબ. જે આ સવાલનો જવાબ શોધી શક્યા એ મહાન કહેવાયા. જો કે હા આ સવાલનો જવાબ મેળવવો કંઈ સહેલો નથી. પણ અશક્ય પણ નથી.
“હું કોણ છું?” મતલબ મારું આ દૂનિયામાં આવવું એ કોઈ ચોક્કસ કારણથી જ હોવું જોઈએ. એ વાત સ્વીકારવી. હું જે પરિવાર, મિત્રો કે સમાજ વચ્ચે છું એ કોઈને કોઈ કારણોસર જ. હું જ્યાં પણ છું અથવા મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે ઉત્તમ જ છે. અને જો કંઈ પ્રાપ્ત નથી કરી શક્યો તો એની પાછળ પણ કોઈ કારણ જવાબદાર હશે. આ માનવું એ જ પ્રગતિની સીડીનું પહેલું પગથિયું છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, “હું કોઈ સામાન્ય જીવ, કે ચીલાચાલુ વ્યક્તિ નથી.” આ વાતને દૃઢપણે માનવું. મારું પણ એક અલગ વ્યક્તિત્વ છે. મારી અંદર એક અનોખી ક્ષમતા છે જેના દ્વારા હું સ્વમહેનતે સિદ્ધિઓ પ્રાપ્ત કરીશ. બસ આત્મવિશ્વાસ સાથે આ માનો અને આગળ વધો. સફળતાના રસ્તા આપોઆપ મળતા જશે. પોતાના પર આત્મવિશ્વાસ કેળવવો ખુબ જરૂરી છે. મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી એવું નહિ પણ સૌપ્રથમ હું પોતે જ પોતાનું પ્રમાણપત્ર છું.
આપણને જોઈએ છે શું એ સવાલનો જવાબ આપણા પોતાના સિવાય કોઈ શોધી નહીં શકે.
અનેક સમસ્યાઓ અને વિપરીત સંજોગોમાં પણ જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે સતત ક્રિયાશીલ રહે છે તે જ કંઈક ચમત્કૃતિ સર્જી શકે છે અને સમાજને અચંબિત કરી દે છે. કારણ કે એમાં એની શ્રદ્ધા અને વિશ્વાસની સાથે ઈશ્વરીય શક્તિ પણ સામેલ હોય છે.
હું મારો જ દાખલો આપું કે આજે તમને આ બધું કહેવા હું સક્ષમ થયો છું તો એ મારા આત્મવિશ્વાસને કારણે જ...
હું રોજ નિયમિત એક કલાક મારી પોતાની જાત સાથે વાતો કરું છું. પોતાને જ પ્રશ્ન પૂછું છું. અને અંતરથી જવાબ મેળવું છું. નિત્ય, અખંડ, અનંત અનાદિ પુરાણ બ્રહ્મ સનાતનના જ આપણે અંશ છીએ. “અહં બ્રહ્માસ્મિ!”
ચાલો તૈયાર કરીએ પોતાની જાતને…
જીવન જીવવા… અને માણવા માટે…
પછી જ મળશે જવાબ… “હું કોણ છું??”
હાર્દિક કલ્પદેવ પંડ્યા
ખૂબ સરસ પૃથકરણ… જીવનમાં જેટલા સકારાત્મક રહીએ એટલી જ સકારાત્મકતા ચારેબાજુ ફેલાય.
LikeLike
આપનો મૂલ્યવાન પ્રતિભાવ આપવા ખુબ ખુબ આભાર…
LikeLike