ઘણાં લોકો કહે છે કે આ બધુ મારી સાથે જ કેમ થયું? ભગવાન હમેશાં મને જ હેરાન કરે છે. કેટલી પરીક્ષા લેશે ભગવાન? આ બધુ ખરાબ મારી સાથે જ થાય છે. આપણને જરા અમથી તકલીફ પડે અને આપણે ભગવાનને કોસવા લાગીએ છીએ. “ભગવાન, તું તો મારો દુશ્મન છે.”
દોસ્તો, ભગવાને આ દુનિયા બનાવી છે, આપણને જન્મ આપ્યો છે એ કંઈ આપણને હેરાન કે દુખી કરવા માટે નહીં. ભગવાન આપણને જે આપે છે એ સારા માટે જ હોય છે. પછી એ દુ:ખ જ કેમ ના હોય. ભગવાન ચાહે તો આ દુનિયામાં બધુ સારું, સકારાત્મક અને “મોજા હી મોજા” વાળું જ રહે પણ જો એમ થાય તો સકારાત્મકતા અને સારી વસ્તુઓની કિંમત શૂન્ય થઈ જાય. બસ એટલે જ એમણે આપણને સુખની સાથે દુ:ખ અને આનંદની સાથે તકલીફની અનુભૂતિ આપી કે જેથી આપણે સુખ, આનંદ, હેપ્પી ફીલિંગની કદર કરતાં શીખીએ. જેમ શાળામાં એક ધોરણમાંથી બીજા ધોરણમાં જવા માટે પરીક્ષા આપવી પડે એમ તમે કોઈ ઉત્તમ ફળને લાયક છો કે નહીં એ જાણવા ભગવાન પણ તમારી પરીક્ષા તો લે જ ને??? આ જે કંઈ પણ ખરાબ સમય છે એ ખરાબ નહીં તમારી પરીક્ષાનો સમય છે. ભગવાન જ પરીક્ષા લે છે અને એ જ પરીક્ષા આપે પણ છે બસ એમ માની આગળ વધો દ્રઢપણે પરિસ્થિતિનો સામનો કરો. પોતાની અંદર આત્મવિશ્વાસ રાખો. સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે.
તમારો તમારા પ્રિયજન સાથે ઝગડો થયો છે? તો સમજો કે ભગવાન પણ ચાહે છે કે તમારા વચ્ચે સંબંધ પાક્કો અને મજબૂત બને. અને આમેય જ્યાં સાચા હૃદયના સંબંધો હોય ત્યાં જ ઝગડા અને મનદુ:ખ વગેરે શક્ય છે. કારણ કે ત્યાં જ તો અપેક્ષાઓ હોય છે. બાકી આજના સમયમાં અપેક્ષાઓ પારકા પાસે કોણ રાખે છે? તો એમની વાતોનું ખોટું લાગે અને ઝગડા થાય ખરા?? તમને તમારા જ લીધેલા નિર્ણય પર પસ્તાવો થાય છે?? તો બે વાત યાદ રાખો કે થઈ ગયું એને તમે બદલી શકતા નથી તો એ માટે ચિંતા કે ખોટા મૂંઝાઈને ફાયદો નથી. અને બીજું ભગવાને તમારા માટે કંઈક ઉત્તમ શોધી રાખ્યું છે. અને તમારા માટે પ્રગતિનો માર્ગ શોધી રાખ્યો છે. સમય આવ્યે એ મળી જ જશે. આ તો બે નાના ઉદાહરણો છે. આવા કેટલાય સવાલો છે જે મનમાં ઉઠતાની સાથે જ આપણે ભગવાનને ગાળો સુદ્ધાં આપતા સંકોચ નથી કરતાં.
પણ દોસ્તો, જો ભગવાને બધુ જ આપણને સહેલાઈથી આપી દીધું હોત તો આપણને એની કોઈ કિંમત જ ન રહેત બસ એટલે એ આપણને આ રીતે પરીક્ષા/કસોટી દ્વારા જે આપણે મેળવ્યું છે અથવા મેળવવાના છીએ એના માટે લાયક બનાવે છે કે આપણી લાયકાત પારખે છે. આપણને દરેક વસ્તુની કદર કરતાં શીખવે છે. માટે એના પર શ્રદ્ધા રાખો અને કર્મ કરે જાવ. જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એને સહર્ષ સ્વીકારો. અને મળેલ જીવનનો આનંદ માણો અને તકલીફો માટે પણ ભગવાનને આભાર કહો. પછી જુઓ આપોઆપ તકલીફો કેવી દૂર થઈ જાય છે.
આગળ કહ્યું એમ સકારાત્મક વિચારસરણી એ જ દરેક પ્રશ્નનો ઉકેલ છે. માટે હમેશાં સકારાત્મક વિચારો આવે એ વાત પર વધુ ધ્યાન આપો. કોઈ પણ પરિસ્થિતિના સકારાત્મક અને નકારાત્મક બંને પાસા જોવાની આદત કેળવો. હા, નકારાત્મક પાસા તરફ પણ જોવું કારણ કે જોશો તો જ તો એનાથી દૂર રહેવા પ્રયત્નશીલ રહેશો.
આ મંત્રને ગાંઠ વાળીને પોતાની પાસે રાખી લો.
“જે થાય છે તે સારા માટે જ થાય છે…”
અને પછી જીવન ઉત્તમ જ ઉત્તમ… તહેવાર જ તહેવાર… કોઈ સવાલ નહીં અને કોઈ મૂંઝવણ નહીં.
બસ એક દ્રઢ આત્મવિશ્વાસ… જે થઈ રહ્યું છે તે સારા માટે જ છે અને જે થવાનું છે એ પણ સારા માટે જ હશે. ભગવાન મને કંઈક ઉત્તમ આપવાનો છે… તૈયાર થઈ જા બેટા…!
હાર્દિક કલ્પદેવ પંડ્યા
જે લેખક વાચકના પ્રતિભાવો નિખાલસતાથી સ્વીકારી ન શકે એ સાચો લેખક ગણાય જ નહીં. વાચક થકી જ લેખકનું અસ્તિત્વ હોય છે.
LikeLike
મનને મનાવવા માટે સુંદર વાત કહી છે તમે.
પણ ખુશ રહેવાની સલાહ આપવા માટે આ ખયાલ ઉત્તમ છે પણ ક્યારેક મને આ ખયાલ માત્ર ભગવાનના સારા હોવાની છાપને ટકાવી રાખવા અને વધુ પડતા આશાવાદી બનાવવા માટે બનાવવામાં આવ્યો હોય એવું લાગે છે.
ઘણું કહેવા જેવું છે પણા આપના આ સુંદર ઠેકાણાને મારા કાંટાળા વિચારોથી બગાડવા નથી ઇચ્છતો એટલે બીજી વાતો મારા બગીચામાં જ ઉમેરું એ ઠીક રહેશે. ચલો, આપને પણ લીંક મોકલીશ. ત્યાં ચર્ચા કરીશું.. 🙂
LikeLike
આપના નિખાલસ પ્રતિભાવ બદલ આભાર ભાઈ…
LikeLiked by 1 person
હાશ. મને હતું કે આપ નારાજ થશો અને અન્ય બ્લોગમાં થાય છે એમ મારી આ કોમેન્ટને પબ્લીશ પણ નહી થવા દો. મને ખોટો સાબિત કરવા બદલ આપનો આભાર! 🙏 (ડીયર બગી, દરેકને એક જ ત્રાજવે ન તોળવાના હોય. #SelfNote)
LikeLiked by 1 person
મારા બગીચામાં ઉમેરેલી મારા મનની વાત – https://www.marobagicho.com/2019/je-thay-che-te/
#આપનીજાણસારું
LikeLike