કર્મ કોને કહેવાય? મારા મતે કર્મ એ જ ધર્મ, અને ધર્મ એ જ કર્મ… આપણાં ખભે મુકાયેલ જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક નિર્વાહન એટલે કર્મ અને એ જ આપણો પહેલો ધર્મ છે. આપણાં આખા જીવન દરમિયાન જે જે કર્યો આપણે કરીએ છીએ તે કર્મ…
આ કર્મના બે ભાગ પડેલા છે. ખરાબ અને સારા… અને આ જ વર્ગીકરણ મુજબ આપણાં નસીબના લેખજોખાં પરમાત્મા તૈયાર કરતાં હોય છે અને એ મુજબ આપણને સારા કે ખોટા ફળ પ્રાપ્ત થતાં હોય છે. જો આપણું જીવન ખરાબ કામોથી જ ભરેલું હશે તો એ પાપના ખાતે જમા થઈ નુકસાન, ખોટ, સજા સ્વરૂપે આપણને મળશે. અને ભોગવવાનું છે તે ભોગવવું જ પડશે. અને જો હરહંમેશ માત્ર સત્કર્મ જ કર્યા હશે તો ભલે થોડી તકલીફો વેઠવી પડે પણ અંતે તો સફળતા અને સુખાકારી જ મળશે. જીવન સાર્થક થયું એવું જણાશે. અને મન પણ હમેશાં પ્રફુલ્લિત અને ખુશ રેહશે.
ભગવાને ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એમ ચાર યોગ કહ્યા છે અને કહ્યું છે કે પહેલા અને છેલ્લા પર તું ધ્યાન આપ અને બીજા અને ત્રીજાને મારા પર છોડી દે… પણ આપણે પહેલું અને છેલ્લું ભૂલી વચ્ચેના બંને પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને ગમે તેવા ખોટા કામ કરવાથી પણ અચકાતાં નથી, પરિણામે દુખ અને તકલીફો ભોગવવાનો વારો આવે છે. અને ભગવાનને જ ખરાબ શબ્દોથી વધાવીએ છીએ.. પણ આપણે કરેલ ખોટા કર્મોની સજા તો આપણે જ ભોગવવી પડે ને! એમાં એ ભગવાન પણ શું કરે?
શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણાં આગલા ૮૩ લાખ ૯૯ હજાર ૯ સો ૯૯ જન્મમાં કરેલા પાપ અને પુણ્યના હિસાબ કરી પરમાત્મા એ આ મનુષ્ય જન્મ આપ્યો છે. અને આ જન્મમાં પણ આપણે જે ભોગવી રહ્યા છીએ એ પણ એનું જ પરિણામ છે. આ મનુષ્ય જન્મ બીજી વાર નથી મળતો. માટે આ જીવનમાં હંમેશા સત્કર્મ કરવાનો આગ્રહ રાખવો… હા, આપણાં નસીબમાં જે લખ્યું છે અને પરમાત્માએ જે વિચાર્યું છે એ તો થઈને જ રહેવાનું, પણ બને ત્યાં સુધી પ્રભુમાં શ્રદ્ધા રાખી સત્કર્મના રસ્તે જ ચાલતા રહેવું.
- જો આપણે કોઈનું સારું કરીશું તો આપણું પણ સારું જ થવાનું.
- જીવનમાં જે થવાનું છે તે થઈને જ રહેશે, બસ તેને કેવી રીતે પ્રતિભાવ આપવો એ આપણાં હાથમાં છે.
- ક્યારેક એવું પણ બને કે સત્કર્મના માર્ગે ચાલતા નુકસાન અને પરાજય મળતી દેખાય પણ બની શકે કે એ આપણી જીતની શરૂઆત હોય.
જીવનમાં જ્યારે પણ સુખ મળે ત્યારે વિનમ્ર રહેવું અને દુ:ખ પડે ત્યારે મન શાંત રાખી વ્યગ્ર થયા વિના પરિસ્થિતિનો સમજદારી પૂર્વક સામનો કરવો. સત્કર્મ અને સખત મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. સત્કર્મ અને સખત મહેનત થકી જ જીવન સાર્થક બનાવી શકાય છે. દોસ્તો બીજો ત્રીજો જન્મ જેવુ કંઈ જ નથી હોતું જે છે એ આ જ જન્મ છે માટે સદૈવ સારા કર્મો કરો અને સમાજ માટે એક પ્રેરણા સ્વરૂપ બનો. યાદ રાખો કે કોઈપણ પરિવર્તનની શરૂઆત ઘર આંગણેથી જ થાય. પહેલા આપણે સત્કર્મના માર્ગે ચાલીશુ તો જ લોકોને પ્રેરણા પૂરી પડી શકીશું. અને તો જ સમાજમાં સકારાત્મકતા ફેલાશે. અને સત્કર્મ કર્યા હશે તો જ મોક્ષની પણ પ્રાપ્તિ થશે. પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થશે.
- સફળતાના બે સૂત્રો:
- જે જાણો છો તે બધુ જ બધાને ન કહો.
- ક્યારેય એમ ના સમજો કે હું બધુ જ જાણું છું.
- નાના નાના સારા કર્યો પણ મોટા મોટા પરિવર્તન લાવી શકે છે.
- આપણું કરેલ એક નાનું પરોપકાર કોઈના માટે મોટામાં મોટી મદદ હોઈ શકે છે.
- આપણે જો સાચા હોઈશું અને એકલા પણ હોઈશું તો પણ જીત આપણી પક્કી જ છે.
- જીવન એવું જીવો કે તમારી બિનહયાતિમાં પણ લોકોના હૃદયમાં હયાત રહી જાઓ. એવું જીવન કે જેના થકી આ દુનિયાનું કંઈક ભલું થઈ જાય.
ભગવાન કહે છે કે,”તું એ કરે છે જે તું ઇચ્છે છે, પણ થાય તો એ જ છે જે હું ઇચ્છું છું. હવે તું એ કરવા લાગ જે હું ઇચ્છું છું અને પછી જો તું જે ઇચ્છે છે તે આપોઆપ થવા લાગશે.”
હાર્દિક કલ્પદેવ પંડ્યા