સ્વચ્છતા પર તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ ભાર આપતા હતા. “જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” આ કહેવતને બે રીતે મુલવી શકાય છે. ૧) જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય છે, એટલે કે ભગવાનના આશીર્વાદ તેના પર જ રહે છે જે સ્વચ્છતાનુ ધ્યાન રાખે છે. ૨) જ્યાં (જે જગ્યાએ) સ્વચ્છતા હોય છે તેનું જ પ્રભુત્વ વધારે હોય છે, એટલે કે જે જગ્યા સ્વચ્છ અને સુંદર હોય છે એની જ ખ્યાતિ વધે છે, એ સ્થળ પ્રગતિ અને સમૃદ્ધિ પામે છે, ત્યાંની પ્રજા સુખી અને સમૃદ્ધ રહે છે.
સ્વચ્છતાનો મુદ્દો માત્ર સ્વાસ્થયને લક્ષીને જ મહત્વ નથી ધરાવતો, પણ જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં લોકોને આવવું ગમે છે, માણસની પહેલી પસંદ સ્વચ્છ, સુંદર અને રળિયામણી જગ્યા જ હોય છે, સ્વચ્છતાથી સફળતા સુધી બધા જ તત્વો એકબીજા સાથે સંકળાયેલા છે. જો તમારી આસપાસ સ્વચ્છતા હશે તો દુનિયા તમારી સાથે રહેશે. જો ગંદકી હશે તો દૂર રહેશે. આપણા શરીરની સ્વચ્છતા અને સુંદરતા જેમ લોકોને આકર્ષવા માટે જરૂરી છે એમ જ આપણી આસપાસના વિસ્તારને વિકસાવવા અને રોજગારની નવી તકો ઊભી કરવા માટે આપણો વિસ્તાર પણ સ્વચ્છ અને સુંદર હોય એ જરૂરી છે, તો જ બહારના વેપારીઓ અને રોકાણકારો અહીં આવશે અને રોકાણ કરશે. અને તો જ રોજગાર ઊભું થશે!
તમે એક કહેવત તો સાંભળી જ હશે કે “લક્ષ્મી તિલક કરવા આવે ત્યારે મોં ધોવા ના જવાય.” પણ દોસ્તો, લક્ષ્મીજી પણ એને જ તિલક કરવા આવે છે જે મનથી સ્વચ્છ અને છળકપટની ગંદકીથી દૂર હોય, જેના કર્મો સ્વચ્છ હોય. જીવનમાં કમાવવાની વૃત્તિ સાથે પરોપકારનો ગુણ પણ ધરાવે એને જ મા લક્ષ્મી તિલક કરવા આવે છે. માટે પોતાના કર્મો પણ સ્વચ્છ હોવા જોઈએ. તો જ લક્ષ્મીજી તિલક કરશે. આપણુ પ્રભુત્વ વધશે. અને આપણી સમૃદ્ધિનો માર્ગ સાફ થશે.
જીવનમાં આપણને ઘણા લોકો મળે છે, જેમાંથી અમુક સાથે ખરાબ અનુભવ પણ થાય છે, અને અમુક એવાય મળે છે જેમની પુજા કરવાનુ મન થાય, પણ આ બધા વચ્ચે જો આપણે આપણા સદ્દગુણોને વળગી રહી સૌ સાથે એક સરખું વર્તન રાખી શકીએ તો એ જ આપણાં સ્વચ્છ હૃદયની સાબિતી છે. જેનું હૃદય સ્વચ્છ હોય છે એના જીવનમાં ક્યારેય દુશ્મનાવટ કે દરિદ્રતા, દૂ:ખ કે તકલીફોની ગંદકી વધુ સમય રહેતી નથી. એ હમેશા સમાજમાં ઊંચું નામ અને સમૃદ્ધિ પામે છે. માટે જ હૃદયની સ્વચ્છતા પણ એટલી જરૂરી છે.
છેલ્લે બસ આટલું જ:
- વ્યક્તિનુ મન સ્વચ્છ તો સમાજનુ દર્પણ સ્વચ્છ
- સમાજની લાગણીઓ સ્વચ્છ તો પ્રગતિની કેડીઓ સ્વચ્છ
- આપણુ શહેર સ્વચ્છ તો શહેરની સમૃદ્ધિનો રસ્તો સ્વચ્છ
- આપણા શહેરની સમૃદ્ધિનો રસ્તો સ્વચ્છ તો આપણાં દેશની પ્રગતિ અને ખ્યાતિનો માર્ગ સ્વચ્છ અને તો જ આખી દુનિયા સ્વચ્છ, સુંદર અને રળિયામણી… ટૂંકમાં રહેવા લાયક… જીવવા લાયક…
બાકી સ્વચ્છતાને સ્વાસ્થય સાથે સાંકળીને કહું તો જો આપણે અને આપણુ શહેર/ગામ સ્વચ્છ રાખીશું તો જ આપણે સ્વસ્થ રહીશું અને સ્વસ્થ રહીશું તો જ તો કામકાજ કરી શકીશું અને પૈસા કમાઈ શકીશું. જો સ્વચ્છતા નહીં હોય તો બીમાર પડીશું અને આપણી કમાણી ઘટાડી, ડોક્ટરોની કમાણી વધારીશું… બીજું કંઈ જ નહીં…
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Mast
LikeLiked by 1 person
Thanks
LikeLike