ખરેખર આપણે કેટલું ખોટું કરીએ છીએ, કદાચ એટલે જ આપણી સાથે ખોટું જ વધારે થાય છે. આપણે જરૂર છે સકારાત્મક્તા ફેલાવવાની અને ફેલાવીએ છીએ નકારાત્મક્તા… આધુનિક માધ્યમથી હોય કે મૌખિક પ્રચારથી આપણે નકારાત્મક ખબર પહેલા વહેંચીએ છીએ. કોઈ સારી અને સરાહનીય ખબર જલ્દી વહેંચતું નથી. દુનિયામાં ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને આવી જ બીજી નકારાત્મક્તાનું વધવું એ આનું જ પરિણામ છે. કોઈ સારું અને સરાહનીય કામ કરે તો એને સૌથી પહેલા વિવેચનાનો સામનો કરવો પડે છે. લોકો એની ખીલ્લી ઉડાવતા જરાય સંકોચ નથી અનુભવતા અને એટલે જ લોકોમાં સારા અને સમાજ કલ્યાણના કામ કરવામાં રસ ઓછો થતો જાય છે. સચ્ચાઈ અને પ્રમાણિકતાના રસ્તે ચાલતા લોકો ગભરાય છે.
દોસ્તો, દુનિયામાં માત્ર બદીઓ જ નથી, સારાપણું પણ એટલું જ પ્રવર્તે છે. પણ તકલીફ એ છે કે આપણે માત્ર ખોટા/ખરાબ સમાચાર જ ફેલાવીએ છીએ. કોઈના સત્કર્મને આપણે જરા અમથું પણ મહત્વ નથી આપતા અને કોઈના ખોટા કામને ગાઈ વગાડીને જોરશોરથી દુનિયાને કહીએ છીએ. આપણને કોઇની ટીકા-ટિપ્પણી અને વિવેચના વધુ પસંદ આવે છે… પોતાના મનોરંજન માટે જ, અને જ્યારે આપણી વિવેચના થાય ત્યારે ઝગાડવા પણ તૈયાર રહીએ છીએ. અને આ જ બધી ટીકા-ટિપ્પણીની વચ્ચે ક્યારે આપણે અફવાઓનો દોર શરૂ કરી દઈએ છીએ એ આપણને જ ખબર નથી પડતી અને પરિણામ સ્વરૂપ દંગા-ફસાદ, હત્યા, લૂંટ અને બીજું કેટકેટલું…
જો આમ જ ચાલતું રહ્યું તો આપણો સમાજ નકારાત્મક્તાનો મહેલ બની જશે. ન તો આપણું ભલું થશે ન તો સમાજનું. ક્યાંક એવો દિવસ જોવાનો વારો ન આવે કે આ નકારાત્મક્તા આપણાં જ પતનનું કારણ બની જાય.
આપણે સૌએ એકવાર અચૂક વિચાર કરવો જ રહ્યો…
અત્યારના ૪જી સ્પીડના સમયમાં આપણે અલગ અલગ કેટલીય સોશિયલ મીડિયાની એપ્લીકેશન વાપરીએ છીએ, પણ એક વખત વિચાર કરજો કે સંપૂર્ણ ઉપયોગમાંથી કેટલો સારા અને ઉપયોગી કામ માટે હોય છે? આ બધી જ એપ જેણે પણ બનાવી હશે એ માત્ર મનોરંજનના હેતુથી નહીં બનાવી હોય, એમનો પણ આ દુનિયાને વધુને વધુ સુંદર બનાવવાનો અને લોકો એકબીજાને મદદરૂપ થઈ શકે એવું કરવાનો હેતુ પહેલો હશે. અને આપણે એમની મહેનતનો ખરેખર દુરુપયોગ વધુ કર્યો છે.
હવે ચૂપ રહેવાથી અને આમ જ નકારાત્મક્તા ફેલાવવાથી નહીં ચાલે, સકારાત્મક્તા ફેલાવવી જરૂરી છે. ચાલો, આજથી જ નક્કી કરીએ કે કોઈપણ પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈશું. અને જ્યાં પણ મોકો મળે સકારાત્મક ઉર્જા ફેલાવવા પ્રયત્ન કરીશું. કોઈ સારી બાબત કે કોઈના સારા કામ વિશે જાણ થાય તો બને એટલો પ્રચાર કરીશું, ભલેને પછી એમાં આપણો કોઈ ફાયદો ન હોય. આપણાં ઘરના સભ્યોનું કોઈ સારું કામ હોય કે આપણી આસપાસ રહેતા કોઈનું, બને એટલો એ સારા કામનો પ્રચાર કરીએ, અને લોકોને પણ સત્કર્મ કરવા પ્રેરણા આપીએ. કોઈ સારું કામ કરતું હોય તો એનો મજાક બનાવવાની જગ્યાએ એનો સાથ આપીએ. એને પ્રોત્સાહન આપીએ. કોઈના સારા કામની માત્ર પ્રસંશા ના કરતાં એને જોરશોરથી લોકોને કહીએ, એના વિશે લખીએ, વાતો કરીએ, એનો જયકારો બોલાવીએ. ચાલો આ દુનિયાને બતાવી દઈએ કે આ દુનિયા ખરેખર સુંદર છે.
“સકારાત્મક રહો… વધુને વધુ સકારાત્મક્તા ફેલાવો.”
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Be positive.. nice
LikeLiked by 1 person
thanks
LikeLike