પ્રામાણિક્તા એ સત્યનું બીજું નામ છે. સત્ય અને પ્રામાણિક્તા બેય એકબીજાના સમાનાર્થી છે. હાલના સમયમાં જો સૌથી ઓછી કોઈ વસ્તુ જોવા મળતી હોય તો એ છે માણસમાં પ્રામાણિક્તા. ખરેખર સોનું, ચાંદી, ને ઝવેરાત કરતાં પણ કિંમતી વસ્તુ એવી પ્રામાણિક્તા અત્યારના સમયમાં ભાગ્યે જ જોવા મળે છે.
“આપનાર પેદા થયા એટલે જ તો લેનાર પેદા થયા…”
સિદ્ધાંતો, પ્રામાણિક્તા, સત્ય, મહેનત આ ચાર સફળતાના મૂળભૂત પાયા છે. આપણે આ વાત જાણીએ તો છીએ પણ તેનો સ્વીકાર કરી આ મૂળભૂત પાયા સ્વરૂપ મૂલ્યોને અનુસરતા નથી. ઈતિહાસમાં થઈ ગયેલા મહાન લોકો યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર, ગાંધીજી હવે માત્ર વાર્તાના પાત્રો જ બનીને રહી ગયા છે, આમાંથી કોઇની જન્મ જયંતિ આવે એટલે એ એકાદ દિવસ પૂરતું સત્ય અને પ્રામાણિકતાની વાતો થાય, એ પણ થોડીક જ વાર. પછી જેવા હતા તેવા ને તેવા જ. ખરેખર તો આપણને રાજનેતાઓ કે સરકારી કર્મચારીઓ પર તંજ કસવાનો કોઈ હક જ નથી. એ ભ્રષ્ટાચાર કરે છે પણ આપણે એમને પ્રોત્સાહન આપીએ છીએ એટલે… આપણે જ કોઈ માથાકૂટમાં પડવું નથી. બસ પોતાનું કામ સહેલાઈથી થાય છે ને… આપો પૈસા, કરો ભ્રષ્ટાચાર, ખરા અર્થમાં ગુનેગાર એ રાજનેતાઓ કે સરકારી કર્મચારી નહીં આપણે છીએ.
આપણાં વ્યક્તિત્વનો પ્રભાવ આપણાં કપડાં, અને મોંઘા બંગલા કે ગાડીથી નહીં પડે, જ્યાં સુધી અંતરમાં પ્રામાણિક્તાનો તેજ નહીં હોય. આ ભૌતિક ચીજવસ્તુઓ મુખ્ય નહીં ગૌણ છે, મુખ્ય છે સત્ય અને પ્રામાણિક્તા. સત્ય અને પ્રામાણિક્તા ભલે હાલ દુખદાયી કે કષ્ટદાયી હોય પણ લાંબા ગાળે એ સુખાકારી અને ખુશહાલી જ આપશે. સફળતાનો આનંદ આપશે. અને એ જ સાચો આનંદ છે. ઈશ્વર પર શ્રદ્ધા રાખી પ્રામાણિકતાથી આગળ વધીશું તો સફળતા મળવાની જ છે. પણ વાત તો એ છે કે આપણે સત્ય અને પ્રામાણિક્તા પર શ્રદ્ધા રાખતા જ નથી. ખબર છે ને કે આ રસ્તે જે જોઈએ છે એ સહેલાઈથી નહીં મળે…. અને આપણે તો બધુ વગર મહેનતે સહેલાઈથી જ મેળવવું હોય છે, પછી સત્યના રસ્તે કોણ જાય? નહીં? ખરેખર, બાળપણ જ એક એવો સમયગાળો છે જ્યારે આપણે સત્યના રસ્તે ચાલીએ છીએ, કોઈ ખોટું બોલવાનું શીખવે તોય આપણાં મોંઢે સત્ય જ નીકળે છે, પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, સ્કૂલ, કોલેજ, અને નોકરી-ધંધે લાગીએ છીએ આપણી અંદર અસત્યનું તો જાણે વટવૃક્ષ રોપાઈ જાય છે.
આ દુનિયામાં “કોઈ કોઈનું નથી!” એ યાદ રાખજો.
દોસ્તો, હકીકત તો એ છે કે જેવું કરશો તેવું જ પામશો. જો અપ્રામાણિક્તા અને અસત્યના રસ્તે આગળ વધીશું તો ભલે અત્યારે લોકો આપણી સાથે હશે, ખુશહાલી ત્વરિત દેખાતી હશે, પણ જ્યારે કુદરતનો ફટકો પડશે અને આપણે બદહાલીમાં પહોંચીશું ત્યારે એકેય જણ આપણી પાસે પણ ભટકશે નહીં. અને સત્યના રસ્તે એકલા ચાલવાનું શરૂ કરીશુંને તો પાછળથી બીજા પણ આપણી સાથે જોડાશે. અને એ જ ખરા અર્થમાં છેક સુધી આપણી સાથે રહેશે. આમ એકએક કરીને આખી દુનિયામાં સત્ય અને પ્રામાણિકતાનું મહત્વ વધશે. અને પછી દુનિયામાં ખુશહાલી જ ખુશહાલી… માટે એકલા તો એકલા પણ સત્યના રસ્તે જવું જ યોગ્ય છે.
આપણે વ્યક્તિત્વ નિખારની વાતો કરીએ છીએ, એમાં પણ આ સત્ય અને પ્રામાણિક્તા ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. નાના નાના એવા કેટલાય જૂઠાણા બોલી આપણે દારૂ અને સિગારેટ કરતાં પણ ખતરનાક વ્યસનના શિકાર બનીએ છીએ. માટે અસત્યને ના કહેતા શીખો… જૂઠું બોલવાથી બચો.
“Say Yes To Loyalty & Learn To Say No To Lie”
“પ્રામાણિક માણસનું મૂલ્યાંકન થાય છે, જ્યારે ભષ્ટ માણસની કિંમત..!”
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Really bhai good one…
LikeLiked by 1 person
Thank You..
LikeLike