સુખ-દૂ:ખ, અમીરી-ગરીબી અને સફળતા-નિષ્ફળતા…. આ છ શબ્દો જાણે-અજાણે આપણે કેટલીયે વાર ઉપયોગમાં લેતા હોઈશું. પણ આ છ શબ્દોના અર્થ કે માપદંડ શું?
આપણાં સમાજમાં આ છ શબ્દો પૈકીનાં પહેલા ત્રણ શબ્દો સુખ,અમીરી અને સફળતાને સારા અને બીજા ત્રણ શબ્દો દૂ:ખ, ગરીબી અને નિષ્ફળતાને ખરાબ ગણવામાં આવે છે. બાળક થોડું સમજણું થાય ત્યારથી જ આ છ શબ્દોને સારા અને ખરાબ એમ બે પ્રકારે વર્ગીકરણ કરી જેમ દીવાલ પર ખીલ્લી ઠોકી બેસાડીએ એમ એના મગજમાં બેસાડી દેવામાં આવે છે.
આમ જોઈએ તો દુનિયાદારીની દ્રષ્ટિએ આ વર્ગીકરણ સાચું. પણ જો દૂ:ખ ન પડે તો સુખની કિંમત કેમ કરી સમજાય? જો નિષ્ફળતા જોઈ ન હોય તો સફળતાનો સ્વાદ કેવી રીતે માણી શકાય? અને જો કરકસરમાં જીવતા ન આવડે તો પૈસા આવે ત્યારે છલકાઈ જવાનો ભય ન રહે? આ પ્રકારની સમજ આપવાવાળું બાળપણમાં કોઈ નથી મળતું એટલે જ મોટા થઈ આપણે ભેદભાવની માયાજાળમાં ફસાઈએ છીએ અને જીવન નષ્ટ થાય છે, નાની અમથી નિષ્ફળતા હાથ આવે ને હારી જઈએ છીએ, પૈસાની ખેંચ પડે અને ભગવાનને દોષ આપવા લાગીએ છીએ.
સાચું સુખ કયું? સમૃદ્ધિ કોને કહેવાય? સફળતા શું છે? સાચી વ્યાખ્યા આપણે જાણતા જ નથી. સાચું સુખ, સાચી સમૃદ્ધિ અને સફળતા એટલે “સંતોષ”. હા, જેણે “સંતોષ” શબ્દને સમજી લીધો; જાણી લીધો એ ખરા અર્થમાં સુખી અને સમૃદ્ધ થઈ ગયો. સફળતાને વરી ગયો. પણ આ “સંતોષ” વિશે સાચી સમજણ કોણ આપે? અહીં તો બાળપણમાં જ હજી એકડો ઘૂંટતા શીખતા હોઈએ અને વડીલો તરફથી ફરમાન આવે “પહેલો નંબર લાવવાનો છે હોં!” અને બાળક રેસના ઘોડાની જેમ પહેલા નંબરની દોડમાં લાગી જાય. અને કદાચ પહેલો નહીં ને બીજો નંબર આવે તો આનંદ માણવાની જગ્યાએ બાળકમાં હિન ભાવના જાગૃત થઈ જાય. માત્ર બાળકોને જ આપણે રેસના ઘોડાની માફક દોડાવતા નથી, આપણે પણ એ જ કરીએ છીએ, નોકરી કરતાં હોઈએ કે ધંધો, હું આગળ કેવી રીતે આવું અને એથી પણ વધુ પેલો મારાથી આગળ કેવી રીતે થઈ ગયો? બસ આ જ વિચારો આપણાં મગજમાં ફરતા રહે છે અને આપણે મળેલ જીવનને માણી શકતા નથી. જો આપણે જે મેળવ્યું છે એનો સંતોષ કરતાં શીખી જઈએ તો ખરેખર સાચા સુખી, સમૃદ્ધ અને સફળ વ્યક્તિ આપણે જ કહેવાઈએ.
“આપણે જવાનું હોય મહેનતના માર્ગે પણ આપણે સફળતાનો માર્ગ શોધવામાં સમય બગાડીએ છીએ”
સુખ, સમૃદ્ધિ અને સફળતાના માર્ગને શોધવામાં સમય બગાડ્યા વગર મહેનતના રસ્તે નિષ્ઠાપૂર્વક આગળ વધીશું તો સફળતાનો માર્ગ આપોઆપ મળી જ જશે, એક વખત સફળતા મળી એટલે સમૃદ્ધિ આવી સમજો અને સમૃદ્ધિ આવે એટલે જીવન તો સુખી થઈ જ ગયું ને!! કોઈ પણ ક્ષેત્રે કામ કરીએ, એમાં સફળ થવું એ આપણાં હાથમાં નથી. પણ મહેનત કરવી એ આપણાં હાથમાં છે, મહેનત વગર કશું જ મેળવી શકાતું નથી. બને કે મહેનત સાચી દિશામાં હોય પણ ત્વરિત પરિણામ ન મળે, પણ એક વાત હંમેશા યાદ રાખવી, મહેનત ક્યારેય એળે નથી જતી, આજે નહીં તો કાલે, વહેલા કે મોડુ પણ મહેનતનુ ફળ મળે જ છે. જરૂર છે આપણો દ્રષ્ટિકોણ બદલવાની..! ઉપરના શબ્દોની આપણી પરિભાષા બદલવાની..!
“સુખ, સમૃદ્ધિ અને સફળતા મેળવી છલકાઈ ન જવું,
દૂ:ખ, ગરીબી અને અસફળતા મળે તો નિરાશ થઈ બેસી ન જવું.”
“સુખ અને દુખ બેય સરખા જ.” આપણો આ સમભાવ આપણને ક્યારેય દુખી થવા નહીં દે. આપણને ક્યારેય ગરીબી અને અસફળતાનો અહેસાસ નહીં થાય…! આ સમજ જો કેળવી લીધી તો સમજો જંગ જીતી લીધી. લોકો આપણી તરફ આકર્ષાશે. આપણી બધી જ ઇચ્છા પૂરી થશે. બસ ઈશ્વરના ઘડેલા નિયમો પર શ્રદ્ધા રાખી આગળ વધીએ અને મહેનતનુ કર્મ કરતાં રહીએ, પોતાની સાથે આખા સંસારનું ભલું થાય તેવી પ્રાર્થના કરીએ. કારણ કે જેવુ વાવીશું એવું જ પામીશું.
ભગવાનને ન કહો કે આપણી તકલીફ કે દૂ:ખ કેટલા મોટા છે,
તકલીફ અને દૂ:ખને બતાવો કે આપણો ભગવાન કેટલો મહાન(મોટો) છે.
હાર્દિક કલ્પદેવ પંડ્યા