“મારો જન્મ અહીં જ કેમ થયો?” આ સવાલ આપણાંમાંથી ઘણાને થતો હશે, થાય… પણ વિચારવાની અને સમજવાની વાત એ છે કે આ સવાલ ક્યારે અને કઈ પરિસ્થિતિમાં થાય છે અને હકીકતમાં ક્યારે થવો જોઈએ. સામાન્ય રીતે આ સવાલ જ્યારે આપણે તકલીફમાં હોઈએ ત્યારે જ ફરિયાદ સ્વરૂપે મનમાં આવે છે. પણ ક્યારેય આ સવાલ આપણે સફળતાના શિખરો પર હોઈએ ત્યારે મનમાં આવે છે ખરો? ના.. જરાય નહીં. કારણ કે આપણે અસફળ થઈએ ત્યારે તો ભગવાનને દોષ આપીએ છીએ પણ જ્યારે સફળતા મળે ત્યારે એમ કહીએ છીએ કે “મારી મહેનતનુ પરિણામ છે.” બધો શ્રેય આપણે જ લઈએ છીએ. પછી આવો કોઈ સવાલ થવાની શક્યતાઓ જ ક્યાં રહી?
ખરેખર તો આ સવાલ જ્યારે સુખનો સમય હોય ત્યારે થવો જોઈએ કે “મારો જન્મ અહીં કેમ થયો? મારે આ દુનિયાને શું આપવાનું છે? મારા જન્મનો ધ્યેય શું?” આપણો આ માનવ જન્મ આપણાં પાછલા ૮૩ લાખ ૯૯ હજાર ૯ સો ૯૯ જન્મોમાં કરેલા પાપ અને પુણ્યનું પરિણામ છે. માનવ જન્મ મળ્યો એ આપણાં સત્કર્મનું પરિણામ છે, તેમજ કોઈ ખોડખાપણ સાથે કે ખડતલ બાંધા સાથે જન્મવું, અમીર પરિવારમાં કે ગરીબ પરિવારમાં જન્મવું, સ્વસ્થ શરીર સાથે જન્મવું કે કોઈ બીમારી સાથે, આ બધુ પણ આપણાં એ પાછલા જન્મ દરમિયાન કરેલા પાપ-પુણ્ય થકી જ નક્કી થાય છે. કોના સંતાન થઈ જન્મ મળશે, કોણ ભાઈ,બહેન, સગા-સંબંધી હશે એ પણ આ જ રીતે પાછલા જન્મોની બાકી રહેતી લેવડ-દેવડ મુજબ નક્કી થાય છે. કેટલું સુખ અને કેટલું દૂ:ખ ભોગવવાનું છે એ બધુ જ આપણી હસ્તરેખાઓમાં પહેલેથી જ લખીને ભગવાન આપણને આ દુનિયામાં મોકલે છે. સાથે જીવનને દરેક પરિસ્થિતિમાં આનંદથી માણવાની ક્ષમતા પણ એ આપણી અંદર ભરીને મોકલે છે, બસ જરૂર હોય છે એ ક્ષમતાને ઓળખી એનો સદુપયોગ કરવાની!
ભગવાને આપણને આ દુનિયાને કંઈક આપવા અને આ દુનિયા પાસેથી ઘણું બધુ મેળવવા માટે જ જન્મ આપ્યો છે. હા, આપવાનું ખૂબ ઓછું અને મેળવવાનું વધુ… આ જન્મ એ આપણો છેલ્લો જન્મ છે, જે કંઈ મેળવવાનું કે આપવાનું છે એ આ જ જન્મમાં અને અહીં જ. પણ જ્યારે આપણે મેળવીએ છીએ ત્યારે ભગવાનને પણ ભૂલી જઈએ છીએ, બસ કોઈ ફરિયાદ કરવાની હોય ત્યારે જ યાદ આવે છે. આપણે લેવાની વૃત્તિ આપણી અંદર વિકસાવી છે પણ આપવાની વૃત્તિ વિકસાવવામાં કાચા રહ્યા છીએ. આપણે મેળવવું છે બધુ જ પણ કોઈને આપવાની વાત હોય તો મન ખાટુ થઈ જાય છે. નિ:સ્વાર્થ સેવા, પરોપકાર જેવા ભાવ તો જાણે લુપ્ત જ થતાં જાય છે. સંસારમાં શ્વાસ લઈ રહેલ ૮૪ લાખ પ્રકારના જીવોમાં માણસ જ એક એવો જીવ છે જે લાગણીઓને અનુભવી શકે છે, શબ્દો દ્વારા એને વ્યક્ત કરી શકે છે. મનુષ્ય એક જ એવો જીવ છે જેમાં જીવનને માણવાની શક્તિ રહેલી છે, પણ આજના આ આધુનિક યુગમાં જીવનને માણતા આવડતું હોય એવા લોકો ખૂબ જ ઓછા થઈ ગયા છે, માણસે ભગવાનની આપેલી બુદ્ધિક્ષમતા દ્વારા મશીનો તો બનાવ્યા પણ સાથે સાથે પોતે પણ એક મશીનની જેમ જીવતો થઈ ગયો. અને એટલે જ દુ:ખી રહે છે…. ફરિયાદ કરતો રહે છે.
ભગવાને આપણને અહીં હેરાન કરવા કે તકલીફો આપવા જ જન્મ નથી આપ્યો. એ તો ઇચ્છે જ છે કે સૌને સુખનો અનુભવ થાય, એ જે કોઈ પરિસ્થિતિમાં આપણને મૂકે છે એ માત્ર આપણી લાયકાત વધારવા અને આપણી લાયકાતને પારખવા માટે જ હોય છે, સમજો કે આપણી પરીક્ષા… એમાંથી સફળતા પૂર્વક પસાર થઈ ગયા તો ઉત્તમ ફળ આપવા ભગવાન તૈયાર જ બેઠા છે. પણ આ બધુ મેળવતા પહેલા સમાજને, આ સંસારને કંઈક આપવું તો પડે ને! જ્યાં સુધી આપણું લેવાનું અને દુનિયાને આપવાનું આ બધુ જ પૂરું ના થાય ત્યાં સુધી એ પરમ કૃપાળુ પરમાત્મા આપણને એના શ્રીચરણોમાં પાછા બોલાવશે નહીં એ પણ સનાતન સત્ય છે. જો આપણે જીવંત છીએ તો એનો અર્થ એ છે કે હજી આ દુનિયામાં આપણી લેવડ-દેવડ પૂરી નથી થઈ. હજી કંઈક આપવાનું અને આપણાં ભાગ્યનું કંઈક લેવાનું બાકી છે. એટલે હંમેશા આશાવાદી રહી પોતાના હાથમાં આવેલ કર્મ કરતાં રહેવું અને જીવનને માણતા રહેવું. દરેક નવો દિવસ તેની સાથે એક નવી આશા લઈને આવે છે, બસ એ આશાના કિરણને પોતાની અંદર સમાવી આગળ વધતાં રહેવું જોઈએ. ભગવાને આ જન્મ આનંદ માણવા અને એની આ રચેલી સુંદર દુનિયાનું સૌંદર્ય અનુભવવા આપ્યો છે.
“માણસ એટલે જેનામાં જીવન આનંદથી માણવાની ક્ષમતા છે એવો એકમાત્ર ઈશ્વરીય જીવ”
યાદ રાખો:
- જેના જીવનમાં કોઈ ધ્યેય નથી તેનું જીવન વ્યર્થ છે.
- જીવનને ધ્યેય મળવું એ આપણાં જીવનની સાચી શરૂઆત છે.
- ધ્યેયની પ્રાપ્તિ એ આપણી સફળતા છે.
- જીવનમાં પોતાની સુખાકારી સાથે સમાજની સમૃદ્ધિ અને સુખાકારીની વાત કરવી એ જીવનની સાર્થકતા છે.
- માનવ જન્મ પરમાત્માએ આપણને આનંદ માણવા માટે જ આપ્યો છે. દુ:ખી રહેવા માટે નહીં.
હાર્દિક કલ્પદેવ પંડ્યા
“માણસ એટલે જેનામાં જીવન આનંદથી માણવાની ક્ષમતા છે એવો એકમાત્ર ઈશ્વરીય જીવ”
માફ કરજો. આની સાથે સહમત થવાય એમ નથી !
LikeLiked by 1 person
સર્વ પ્રથમ તો મારો લેખ વાંચવા બદલ ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ… આ સાથે એટલું જ કહીશ કે મને નથી ખબર કે આપ કેમ સહમત નથી. અસહમતતાના પણ મારી દ્રષ્ટિએ સકારાત્મક કારણો હોઈ શકે. અને દરેકની પોતાની વિચારસરણી હોય છે.
LikeLike
આપણે માણસ છીએ અને આપણો ‘અહં’ આવા વિચાર ઉછાળા પેદા કરે છે ! બાકી એક વફાદાર કૂતરામાં , એક વ્હેલ માછલીમાં , એક હાથીમાં કદાચ જીવનની વધારે સાચી સમજણ છે.
અને આ મારું માનવું છે – ખોટું હોવાની પૂરેપુરી શક્યતાઓથી ભરપૂર ! તમારી લાગણી દુભાઈ હોય તો ક્ષમાયાચના.
LikeLiked by 1 person
Hardik, felt great reading your philosophical thoughts. I may disagree with many thoughts or concepts, but great start to explore life.
LikeLiked by 1 person
Thanks🙏🙏🙏
LikeLike
ખૂબ સરસ લેખ
LikeLiked by 1 person
આભાર… ખુબ ખુબ આભાર
LikeLike