આપણે સૌ ઘંટીના બળદ જેવું જીવન જીવતા થઈ ગયા છીએ. એ જ રોજ સવારે આળસ મરડી ધીમે ધીમે ઊઠવું, નિત્યક્રમ પતાવી પૂજાપાઠ કરવા, નાસ્તા-પાણી ને જમણવાર પતાવવા અને તૈયાર થઈ કામ-ધંધે લાગવું. એ જ વાહન ચલાવી ઓફિસ જવું, એ જ ઓફિસ અને એ જ કામ, સહકર્મચારીઓ સાથે કામકાજ અને રકઝક, પાછું એ જ વાહન ચલાવી ઘરે આવવું, રાત્રિ ભોજન, કંટાળાજનક દૈનિક ધારાવાહિક અને હૃદયને દ્રવિત કરી દે તેવા સમાચાર, અને પાછું પથારીમાં પડવું ને ઊંઘી જવું. બીજા દિવસે ઊઠીને પણ બસ એ જ ક્રમ શરૂ….
“આ જીવન સામાન્ય રહી માત્ર પસાર કરવા માટે જ નથી.
રોજ કંઈક નવું કરીએ, જીવનમાં નવા ઉત્સાહ, ઉમંગ અને આનંદનો ઉમેરો દરરોજ કરીએ..”
જીવન એટલે રોજિંદા કામકાજ કરીને દિવસ પસાર કરવો એ જ નથી. રોજ એકનું એક જ કામ કરતાં રહેવું જરૂરી નથી. જીવન એ આજીવન કારાવાસની સજા નથી. જાણે કોઈએ આપણાં ઉપર જીવન થોપી દીધું હોય, એવી રીતે ક્યારેય જીવવું નહીં. હંમેશા જીવનમાં કંઈક નવીનતા લાવવા પ્રયત્નશીલ રહેવું. દરરોજ, દર મહિને, દર વર્ષે, કંઈક નવું શીખવાની ઇચ્છા મનમાં હંમેશા જીવંત રાખવી જોઈએ. શીખવાની કોઈ ઉંમર હોતી નથી. કોઈપણ ઉંમરે કંઈ પણ શીખી શકાય. મનની ઇચ્છાઓ પૂરી કરવા માટે કોઈ ચોક્કસ સમય હોતો નથી. કોઈ એવી પ્રવૃત્તિ કે જે આપણને કરવી ગમતી હોય પણ તેના અપૂરતા જ્ઞાનના કારણે કરી ન શકતા હોઈએ તો એમાં નિપુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. લેખન, ગાયન, ચિત્રકળા, નૃત્યકળા વગેરે… આ તો માત્ર ઉદાહરણ છે, આવી અનેક પ્રવૃત્તિઓ છે. જે પ્રવૃત્તિમાં રસ હોય તે કરવા સમય ફાળવવો જોઈએ. ક્યારેક પોતાના વાહનમાં મુસાફરી કરવાની જગ્યાએ સાર્વજનિક વાહન વ્યવહારનો ઉપયોગ કરીએ. ક્યારેક રોજિંદા કરતાં અલગ એવા કપડાં પહેરીએ, નવી ભાષા શીખીએ, નવી રમતો રમીએ, આજ કાલ તો અવનવા આધુનિક ઉપકરણોનો જમાનો છે, કોઈ વખત એય વાપરવા અને શીખવાનો ઉત્સાહ મનમાં જગાવીએ. રોજ કંઈક નવું શીખતા રહેવામાં જે અનેરો આનંદ છે એ બીજે ક્યાંય નથી. સક્રિય રહેવાનો પ્રયત્ન કરીએ. કંઈક નવું શોધતા રહીએ. રોજિંદા જીવનની ક્રિયાઓને અલગ રીતે કરીએ. પોતાની કામ કરવાની ઢબ બદલીએ. આમ કરવાથી પણ કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે.
“પોતાની જિજ્ઞાષાવૃત્તિને જીવનપર્યંત જ્વલંત રાખીએ.”
જીવનમાં હંમેશા સર્જનાત્મક રહીએ. પોતાની જિજ્ઞાષાવૃત્તિને આજીવન જ્વલંત રાખીએ. આમ જ સક્રિય રહી આગળ વધીએ. જોખમ લેવાની શક્તિ કેળવીએ. તો જ આપણે જીવનને ખરા અર્થમાં જીવી જ નહીં પણ માણી શકીશું. નવું કરવા અને નવું સ્વીકારવા તૈયાર હોઈશું તો જ મનથી આનંદમાં રહી શકીશું. આપણી દરેક સફળતાઓ, દરેક ઉપલબ્ધિઓથી પણ મહત્વનુ છે પોતાની જાતને એ પૂછવું કે “છેલ્લે મેં ક્યારે કોઈ કામ પહેલીવાર કર્યું હતું?”
ચાલો વિચારીએ, પૂછીએ પોતાની જાતને આ સવાલ અને આજથી જ જીવનને એક તહેવાર બનાવીએ. દરરોજ પોતાની હયાતિની સાબિતી આ દુનિયાને આપીએ. ઉત્સાહભેર જીવન જીવીએ. કંઈક નવું શોધીએ અને કરીએ.
હાર્દિક કલ્પદેવ પંડ્યા
Super motivational article..it is truth..that life should be live in a lively manner and learning new new things on a regular interval… life should not be live in a monotonous way..
LikeLiked by 1 person
ખૂબ સરસ પ્રેરણાદાયી લેખ..
જીવનમાં નવું નવું કરતાં રહેવાની વૃત્તિ હશે તો જ જીવન ભર્યું ભર્યું લાગશે..નહિ તો ઘાચીનાં બળદ જેવું જ રહેશે.
LikeLiked by 1 person
ધન્યવાદ લતાબેન.. આપના શબ્દો મને મારા લેખનને વધુ અસરકારક બનાવવા માટે પ્રેરણા આપશે…
LikeLiked by 1 person