સપના જુઓ… કારણ કે જો આપણે સપના જોઈશું તો જ તેને પૂરા કરી શકીશું. ભગવાન જ્યારે પણ આપણને સપના દેખાડે છે ત્યારે સૌથી પહેલા એ સપના પૂરા કરવાની તાકાત આપણી અંદર ભરે છે, ત્યાર પછી જ સપના દેખાડે છે, ત્યાં સુધી નહીં. માટે સપના જુઓ. અને એ સપના પૂરા કરવાનો નિશ્ચય કરો.
મહાન લોકો કે જેઓના સપના સાકાર થયા છે તેમણે પણ કસોટીના સમયમાં જ સપના જોયા હતા. જ્યારે કંઈક અશક્ય હતું ત્યારે જ તેને શક્ય કરવાના સપના સેવ્યા હતા. મહાત્મા ગાંધીબાપુએ પણ એવા સમયે સ્વતંત્રતાનું સપનું જોયું હતું જ્યારે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં ગળાડૂબ ઊંડે ઉતરેલો હતો. ધીરુભાઈ અંબાણીએ પણ આધુનિક ભારતનુ સપનું ત્યારે જ જોયું હતું જ્યારે આપણા દેશમાં સૂચના અને પ્રસારણના સંસાધનો ખુબ જ અલ્પ પ્રમાણમાં હતા. કોઈ વિચારી જ નહોતું શકતું કે એક પૈસામાં પણ મોબાઈલ દ્વારા વાત થઈ શકે છે. અને આજે જુઓ એ જ ધીરુભાઈ અંબાણીની કંપની રીલાયન્સ મોબાઈલ અને નેટવર્કના ક્ષેત્રમાં બીજી કેટલીયે કંપનીઓને પછાડી રહી છે. જ્યારે આપણો દેશ સેવા અને ઉત્પાદનના ક્ષેત્રમાં પણ ખુબ જ પાછળ હતો ત્યારે જ રતન ટાટા એ સપનું જોયું હતું ભારતના સામાન્યમાં સામાન્ય નાગરિક પાસે પણ ગાડી હોય. અને એ જ સપનું સાકાર કરતાં તેમણે ભારતને આપી તત્કાલીન સમયની સસ્તામાં સસ્તી એવી નેનો ગાડી માત્ર એક લાખ રૂપિયામાં. “શાંતિ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે શક્તિ અખૂટ હોય” આ જ વિચાર સહ ભારતને વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ લાવવાનું અને અધ્યતન હથિયારોથી ભારતીય સેનાને સશક્ત કરવાનું સપનું આપણા દેશના મિસાઈલ મેન પૂર્વ રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે જ્યારે આપણો દેશ વિજ્ઞાન ક્ષેત્રે ખુબ જ પાછળ હતો ત્યારે જ જોયું હતું. આવા વિશ્વમાં બીજા કેટલાય ઉદાહરણ છે. મૂળભૂત વાત છે, સ્વપ્ન જોવાની અને તેને સાચા કરવાની…
સપના એ આપણી સફળતાની સીડી સમાન છે. આપણા મનમાં કોઈ વિચાર સ્ફુરિત થયો છે તો સમજી લ્યો કે એ વિચાર આપણી અંદર મૂકાતા પહેલા ભગવાને એ વિચાર અમલમાં મૂકવાની અને એ થકી સફળ થવાની શક્તિ આપણી અંદર મૂકી જ દીધી છે. માટે એમ કહી કે “આ મારા માટે શક્ય નથી.” ક્યારેય આવેલ વિચારને પ્રયત્ન કર્યા વિના છોડવો જોઈએ નહીં.
આપણે જે છીએ અને ભવિષ્યમાં આપણે જે હોઈશું, સપનું એ આ બે પરિસ્થિતિ વચ્ચેનું અંતરાલ છે.
આપણું સપનું એ આપણે હાલ જે છીએ તે અને ભવિષ્યમાં જે કંઈ પણ હોઈશું તે વચ્ચેનો અંતરાલ છે. સપનું એટલે આવેલ વિચાર અને તેના અમલીકરણ થકી સફળતા પ્રાપ્ત કરવા વચ્ચેનો ગાળો. અને એટલે જ “હું મારા બધા જ સપના પૂરા કરવા સક્ષમ છું.” બસ આ જ આત્મવિશ્વાસ સાથે સપના જુઓ અને તેને પૂરા કરવા સંપૂર્ણ નિષ્ઠા અને લગન સાથે મહેનત કરો તો સફળતા પ્રાપ્ત થાય જ છે. અને પછી જુઓ તો પોતાની ક્ષમતાને લગતા કોઈ પ્રશ્નો રહેતા જ નથી. પ્રશ્ન રહે છે તો માત્ર એ જ કે “હું આ સપનું ક્યાં સુધીમાં પૂરું કરી શકીશ?”
હાર્દિક કલ્પદેવ પંડ્યા